Ratan tata A great human being
Ratan tata A great human being | યાદગાર પ્રેરક પ્રસંગ | શાંતનુ નાયડુ |Shantnu naydu
તાજેતરમાં રતન તાતાએ કપ કેક કાપીને ખૂબ જ સાદગીથી પોતાનો જન્મદિવસ ઉજવ્યો.
તેની ઉજવણીના વિડિયોમાં એક નવયુવક રતન તાતાના ખભા પર હાથ મૂકીને તેમને કેક ખવડાવી રહ્યો છે.
આ તે યુવક છે જેનાથી પ્રભાવિત થઈને રતન તાતાએ પોતે ફોન કરીને તેને કહ્યું હતું કે શું તમે મારા આસિસ્ટન્ટ બનશો?
આ ૨૯ વર્ષના યુવકનું નામ શાંતનુ નાયડુ છે જે રતન તાતાનો અંગત સચિવ છે.
શાંતનુએ એવું શું કર્યું હતું જેનાથી રતન તાતા પ્રભાવિત થયા હતા ?
શાંતનુ એ ૨૦૧૪મા પૂણે યુનિવર્સિટી માં થી મેકેનિકલ એન્જિનિયરિંગ પાસ કર્યા બાદ તાતા એલેક્સી માં પૂણે ખાતે એન્જિનિયર તરીકે કારકિર્દી શરૂ કરી.
એક દિવસ તે નાઈટ શિફ્ટ બાદ ઘરે જતો હતો ત્યારે પુણેના વિમાનનગર રોડની વચ્ચે એક દોડતાં કૂતરાને એક કારે કચડી નાખ્યો. આ દ્રશ્યે શાંતનુને હચમચાવી મૂક્યો. આવું તો વારંવાર બનતું , ઘણીવાર તો કૂતરાંઓ ના મૃતદેહો ઉપર પણ વાહનો દોડતાં રહેતા અને શાંતનુ આવા દ્રશ્યો જોઈને વિચલિત થઈ ઉઠતો. બહુ બહુ તો તે મૃતદેહ ને ખેંચીને રોડની સાઈડમાં મૂકી દેવા સિવાય શાંતનુ બીજું કાંઈ કરી શકતો નહોતો. શાંતનુ ને થયું કે આનો કોઈ ઉપાય કરવો જોઈએ ,તાતા ગ્રુપનો આ ઓટોમોટીવ ડીઝાઇન એન્જિનિયર આ ઘટનાનો ફક્ત દર્શક બની રહેવા માંગતો નહોતો.
શાંતનુએ આવા અકસ્માત કરનારાં અને અકસ્માત કરતા સ્હેજ માં રહી જનારા વાહનચાલકોનો સંપર્ક કરીને માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું.
શાંતનુ કહે છે - "આવા વાહનચાલકો માટે દ્રશ્યતા અને નિકટતા (વિઝીબિલીટી અને પ્રોક્સિમીટી ) નિર્ણાયક મુદ્દાઓ હતાં. રાતના અંધારામાં તેમને કૂતરો દેખવામાં જો પાંચ સેકન્ડ જેટલો સમય જ રહેતો હોય તો અકસ્માત નિવારવાનો કોઈ અવકાશ રહેતો નહોતો.
તેઓ કૂતરો થોડા વધુ અંતરથી જોઈ શકે તો કદાચ અકસ્માત નિવારી શકાય તેમ હતું."
શાંતનુ નાયડુ કહે છે- "હું ઓટોમોટિવ ડિઝાઇન એન્જિનિયર હોવાથી, તમે કાર પર જે રિફ્લેક્ટિવ ટેપ્સનો ઉપયોગ કરો છો તે મને સહેલાઈથી ઉપલબ્ધ હતી. મને કેટલાક મિત્રો મળ્યા .અમે સાથે મળીને પ્રતિબિંબિત ટેપ સાથે ડોગ કોલરનો પ્રોટોટાઇપ ડિઝાઇન બનાવી."
જોકે શરુઆતમાં તે એક એન્ટ્રી લેવલનું કામ હતું. શાંતનુ ના મિત્રો કોલેજ સ્ટુડન્ટ હતા અને તેમની પાસે ડોગ કોલર બનાવવા માટેનું પુષ્કળ બેઝ મટીરીયલ ખરીદવા માટે પૂરતાં પૈસા નહોતા. એટલે સસ્તા અથવા મફત મટીરીયલ મેળવવાની વ્યવસ્થા કરવાની હતી.
તેઓએ લોકો પાસે ફાજલ પડેલા જૂના ડેનીમ એકઠાં કર્યા અને નમૂના ના ડોગ કોલર બનાવ્યા. તેમને લાગ્યું કે આ ચાલશે એટલે ૨૦૧૪માં ડેનીમ ડોનેશન ઝૂંબેશ પણ ચલાવી.!
ઘણાં લોકો દાન માટે આગળ આવ્યા અને તેમાંથી શરુઆતમાં ૫૦૦ કોલર બનાવ્યા. તે પછી તેમણે મોટર સાઇકલ રાઈડીગ ગ્રુપની મદદથી રખડતાં કૂતરાં ને કોલર
બાંધવાની લોકોમાં અવેરનેસ ઝૂંબેશ ચલાવી.થોડા દિવસો બાદ આ કોલર કૂતરાં ને દૂર થી ઓળખવામાં બહુ જ મદદરૂપ થાય છે તેવો લોકોમાંથી અદ્ભૂત પ્રતિભાવ મળવા લાગ્યો.
શાંતનુ કહે છે-"તેનાથી અમારા કામને માન્યતા મળી."
મેં ૨૦૧૫ સુધીમાં શાંતનુ અને તેના મિત્રો એ
મોટોપોઝ (Motopaws) નામની કૂતરાંઓ માટે એનીમલ વેલફેર NGO પ્રસ્થાપિત કરી. થોડા મહિનાઓ બાદ ડોગ કોલર ની માંગ પણ વધવા લાગી પરંતુ શાંતનુ અને તેના મિત્રો પાસે ફંડીંગની કમી હતી.
તેના ઉકેલ માટે શાંતનુ એ પિતા ની સલાહ મુજબ રતન તાતા ને એક હ્રદયસ્પર્શી હસ્તલિખિત પત્ર લખ્યો.
બે મહિના પછી ખુદ રતન તાતા તરફથી પ્રત્યુતર મળ્યો જેમાં તેમણે શાંતનુ ના કાર્યની પ્રશંસા કરી અને મળવા માટે બોલાવ્યો હતો.
તે મુલાકાત વિશે શાંતનુ કહે છે -"હું રતન તાતાને સૌપ્રથમ ૨૦૧૫ના અંતમાં મળ્યો ત્યારે નર્વસ હતો પરંતુ તેમણે મને નોર્મલ થવામાં મદદ કરી. રતન તાતા બહુ ઉદાર અને લાગણીશીલ છે. અને લોકો તથા પ્રાણીઓ પ્રત્યેના પ્રેમ ને કારણે અમે એકબીજા સાથે કનેક્ટ થઈ શક્યા. તેમને યુવાન સાહસિકો સાથે કામ કરવું ગમે છે. આમ આ રીતે બધું શક્ય બન્યું."
રતન તાતાએ શાંતનુને તાતા ટ્રસ્ટ માં ડીજીએમ તરીકે જોડાવાની ઓફર કરી ઉપરાંત તેના કાર્ય માટે ફંડીંગની વ્યવસ્થા કરી આપી.
એક વર્ષ બાદ ૨૦૧૬મા શાંતનુ કોર્નવેલ યુનિવર્સિટી માં MBA કરવા અમેરિકા ગયો. આ નિર્ણય તેણે તાતાને મળ્યા પહેલા લીધો હતો.પણ શાંતનુ એ રતન તાતા ને કહ્યું હતું કે પાછા ફર્યા બાદ તે તાતા ટ્રસ્ટ સાથે કામ કરવા ઈચ્છે છે. બે વર્ષ બાદ તે પાછો ફર્યો ત્યારે રતન તાતા એ તેને કોલ કર્યો અને કહ્યું-" મારી ઓફિસમાં તારા માટે ઘણું કામ છે. તું મારા આસીસ્ટંટ તરીકે જોડાઈશ ?
આજે શાંતનુ તાતા સાથે કામ કરવા ઉપરાંત 'મોટોપોઝ' ચલાવે છે.
અને તાતાના ઉદાર ફંડીંગને કારણે આજે તેમનું NGO ૧૧ શહેરો અને ૩ દેશોમાં વિસ્તરણ પામ્યું છે અને સ્વયંસેવકો દરરોજ ડોગ કોલર બાંધવાની સેવા કરી રહ્યા છે.
કેવું અદ્ભૂત!..
કરુણા ને લીધે શરુ થયેલું એક કાર્ય આજે એક
ચળવળ માં રૂપાંતરિત થઈ ગયું છે, જે હજારો કૂતરાંઓ નું જીવન બચાવી રહ્યું છે.!
Post a Comment